Browsing all articles in બાળવાર્તા
Jul
21

છાંયડાનો વેપાર

chhaydano-vepar

સુંદરવન અને રંગપુરના રસ્તે આવેલું વડનું ઝાડ અનેક લોકો તથા પશુ-પંખીઓ માટે છાંયડાનો સહારો હતું. આ ઘટાદાર વડ બધાનો માનીતો હતો એટલે કોઈ તેને કદી ન કાપતું. શહેરમાં લાકડાંનો વેપાર કરતા ધનજી શેઠની આ વડ પર ઘણા સમયથી નજર હતી પણ ત્યાં સતત હાજર રહેતાં પ્રાણીઓ અને લોકોની બીકે તે કંઈ કરતા ન હતા.

લાકડાના વેપારમાં મંદી આવતા ધનજી શેઠે તો ગમે તેમ કરીને ઘટાદાર વડનો કબજો મેળવી લેવા કમર કસી. તે કઠિયારાનો વેશ લઈ ચોવીસ કલાક ત્યાં જ રહેવા લાગ્યા. એક દિવસ લાગ જોઈ તેમણે વડનાં ખૂબ વખાણ કર્યાં અને પૂછયું”આ બધાં પ્રાણીઓ તમારો છાંયડો એમ જ વાપરે છે કે તમને કંઈ આપે છે ?” વડે હસતાં હસતાં કહ્યું, “અરે, છાંયડાનું તો શું મૂલ્ય હોય ? એ તો બધા એમ જ… ” તરત જ ધનજી શેઠ બોલ્યા, “એમ હોતું હશે કંઈ ! હું એક મોટા શહેરમાંથી આવું છું. તમારી ઘટાઓનો છે તેવો છાંયડો તો ત્યાં સોનાભારે વેચાય છે અને અહીં આ લોકો છાંયડે બેસે છે અને તમને ગંદા પણ કરે છે. તમે આ બધાને અહીંથી ભગાડશો તો જ તેમને તમારું ખરું મૂલ્ય સમજાશે.” વડને ધનજી શેઠની વાત સાચી લાગી પણ પ્રાણીઓને ભગાડવાનો તેની પાસે કોઈ રસ્તો ન હતો. ધનજી શેઠ તરત જ વડની મૂંઝવણ પારખી ગયા અને બોલ્યા, “આ તો હું તમારો દોસ્ત છું એટલે કહું છું. તમારો છાંયડો વાપરવાનો હક મને આપી દો એટલે હું બધાને સીધાદોર કરી નાખીશ. આપણે બેઉ સાથે મળી છાંયડાનો વેપાર કરીશું. જે લાભ થશે તેના વડે તમારી ડાળીઓને સોને મઢી દઈશું. તમારા માટે ખાસ પાણીનો કૂવો કરાવીશું. તમારું ચારે બાજુ નામ થશે.” વડ હવે ખરેખર ધનજી શેઠની વાતોમાં આવી ગયો અને તેણે પોતાના છાંયડાના બધા હક ધનજી શેઠને આપી દીધા.

ધનજી શેઠે તો તરત જ તમામ પ્રાણીઓને ભગાડયાં. બધાં પંખીઓના માળા તોડી પાડયા. તમામ પ્રાણીઓ તથા પંખીઓ વડને કરગરતા રહ્યાં પણ ડાળોને સોને મઢવાની લાલચમાં આવી ગયેલો વડ કંઈ ન બોલ્યો. ધનજી શેઠે આમ વડને સાવ એકલો કરી મૂ્ક્યો. પછી તો રોજે રોજ તેઓ વડની એક ડાળી કાપે અને ‘શહેરમાં છાંયડો વેચવા જાઉં છું, સોનું લઈને આવું છું.’ એમ કહીને નીકળી જાય. વડને તકલીફ તો થાય પણ તે કહે કોને? ધીમે ધીમે વડની ડાળીઓ એક પછી એક કપાવા લાગી.

વડને ધનજી શેઠની દાનતનો ખરો ખયાલ આવી ગયો હતો પણ હવે તેની વાત સાંભળનારું કોઈ ન હતું. વડને પંખીઓના ટહુકાઓ અને પ્રાણીઓની હૂંફ યાદ આવી. વડ તો રડવા બેઠુ. વડનું આવું રુદન સાંભળી બધી કીડીઓ તથા મંકોડા અને મૂળમાં રહેલી ઉધઈ બહાર આવી. તેમણે વડની વાત સાંભળી. તેને ધનજી શેઠથી બચાવવાનું નક્કી કર્યું.ધનજી શેઠ આવ્યા એટલે વડ બોલ્યો, “શેઠ, મેં મારા છાંયડાનો બધો હક આ કીડીને આપી દીધો છે તમે હવે તેને પૂછીને જ છાંયડો લઈ જજો.” ધનજી શેઠ વાત સમજીને તરત જ કીડી પર કુહાડી મારવા ગયા પણ એટલામાં તો એક સાથે સેંકડો કીડીઓ, મંકોડાઓ અને ઉધઈ જેવાં જીવડાંઓએ તેમના પર આક્રમણ કરી દીધં. ધનજી શેઠ તો જીવ બચાવતાં જાય ભાગ્યા.ધીમે ધીમે હકીકતની ખબર પડતા બધાં પ્રાણીઓ તથા પંખીઓ પણ વડ પર આવવા લાગ્યાં. તે દિવસથી વડે પણ છાંયડાના વેપારથી તોબા કરી લીધી.

બોધ

કોઈ મહત્ત્વનો નિર્ણય લેતા પહેલાં વિવેકબુદ્ધિથી વિચારવું જોઈએ. અવિચારી અને ટૂંકા ગાળાના લાભ માટે ભરેલું પગલું નુકસાનકર્તા હોય છે.

May
21

તાકાતવાન કોણ ?

takatvan-kon

જેનું મનોબળ ઊંચું હોય, ભૂખ-તરસ સહન કરવાની શક્તિ હોય તે ગમે તે પરિસ્થિતિમાં જીવીત રહે છે.

ખુરાસાંમાં બે દોસ્ત રહેતા હતા. તે બન્ને એક બીજાનો સાથ છોડતા નહતા. ભેગા જ રહેતા. સાથે સાથે જમતા, સૂતા-જાગતા ઉઠતા બેસતા. ક્યારેક મુસાફરીમાં જતા તો સાથે જ જતા. એમનામાં ફર્ક હતો તો એ વાતનો હતો કે એક દુબળો-પાતળો હતો, કમજોર હતો. ઘણું ઓછું ખાતો. એક દિવસ ખાતો તો બે દિવસના ઉપવાસ કરતો. બીજો મિત્ર દિવસમાં ચારવાર ખાતો. તો જ એને ચેન પડતું. જાડો પાડો ભારેખમ હતો. તાકાતવાન હતો. એને પોતાની તાકાતનો ઘમંડ હતો.

એકવાર બન્ને દોસ્તો બીજા પ્રદેશમાં ગયા. જેવા શહેરમાં દાખલ થયા એવા એમને જાસૂસીના ગુન્હામાં પકડી ગિરફતાર કરવામાં આવ્યા.

બન્નેને જેલ કોટડીમાં બંધ કરવામાં આવ્યા. જેલ કોટડીમાં હવા-ઉજાસ જવા માટે કોઈ જગ્યા નહોતી. બારી-બાકોરાં નહોતા. ભૂલથી એમને ખુરાસાંના ખતરનાક જાસૂસ માની લેવામાં આવ્યા હતા.

જ્યારે આ બન્ને મિત્રોની પૂછપરછ તપાસ કરવામાં આવી તો માલૂમ પડ્યું કે આ જાસૂસ ન હતા. ભળતાને જ પકડવામાં આવ્યા હતા. ચાર દિવસે કોટડીનું બારણું ખોલી નાખવામાં આવ્યું.

જોયું તો જાડા-પાડા તાકાતવાન મિત્રે શ્વાસ છોડી દીધા હતા. એની લાશ પડી હતી. દુબળો પાતળો મિત્ર જીવતો જાગતો બેઠો હતો. સૌને આશ્ચર્ય થયું.
જોનારામાંથી કોઈ એક હોશિયાર જણ બોલ્યો, ‘એમાં નવાઈ પામવા જેવું શું છે ?’
નવાઈ પામવાનું ત્યારે થાત કે જાડો-પાડો માણસ જીવતો રહ્યો હોત અને દુબળો-પાતળો મૃત્યુ પામ્યો હોત.
મોટો જાડો પાડો તાકાતવાન મનાતો દોસ્ત એટલા માટે મરી ગયો કે તે બહુ ખાવાનું ખાતો હતો. એનાથી ભૂખ સહન ના થઈ. ભૂખ સહન કરવાની એની તાકાત ન હતી. એટલે મરી ગયો. બીજો મિત્ર દુબળો પાતળો હતો. ઉપવાસી હતો. ભૂખ સહન કરવાની તાકાત હતી. એટલે પોતાના મનોબળ અને સહન શક્તિથી જીવતો રહ્યો. ભૂખ્યો રહેવાની આદત અને ધીરજના સહારે બચી ગયો.

કોઈએ સાચું જ કહ્યું છે કે કોઈને ઓછું ખાવાની આદત પડી જાય છે ત્યારે તેને જો કોઈ દિવસ ખાવાનું ન મળે તો તે તકલીફ સહન કરી શકે છે. કિન્તુ જેને વધારે ખાવાની આદત પડી જાય છે એક દિવસ પણ ભૂખે રહી શકતો નથી. ભૂખનો માર્યો મરી જાય છે.

જેનું મનોબળ ઊંચું હોય, ભૂખ-તરસ સહન કરવાની શક્તિ હોય તે ગમે તે પરિસ્થિતિમાં જીવીત રહે છે.

May
18

ચતુર સસલું

chatur-saslu

એક મોટું જંગલ હતું. બધા પ્રાણીઓ સંપથી રહેતા હતા અને એકબીજાને મુશ્કેલીમાં મદદ કરતા હતા. પરંતુ તેમ છતાં એક શિયાળ લુચ્ચાઈ વાપરી વારાફરતી દરેકને હેરાન કરતું હતું. આમ બધા એનાથી ત્રાસી ગયા હતા ને એટલે સુધી કે જંગલનો રાજા સિંહ પણ એનાથી તંગ થઈ ગયો હતો.

સિંહે એક દિવસ જંગલના બધા જ પ્રાણીઓને બોલાવી એક સભા કરી અને દરેકને પૂછયું કે આ લુચ્ચા શિયાળને કોણ સીધો કરશે? જે આ કામ કરવા માગતું હોય તે એનો હાથ ઊંચો કરે! આમાં એક સસલું આ કામ માટે તૈયાર થયું! સસલાને આમ આ કામ માટે તૈયાર થયેલું જોઈ બધા હસવા લાગ્યા! પરંતુ સસલાએ બધાને કહ્યું. “અરે મને તક તો આપો. જુઓ હું શું કરું છું!

સિંહે સસલાને કહ્યું “સારું, જા આજથી તારું કામ શરૂ કરી દે! શિયાળ એક સરોવર પાસે રોજ પાણી પીવા આવતું. સસલું આ સરોવરની એક ઝાડીમાં એક દિવસ છુપાઈ ગયું. થોડી વાર થઈ શિયાળ પાણી પીવા આવ્યું! શિયાળ જેવું પાણી પીવા ગયું કે સસલાએ “હા, હા, હા, કરીને એક અટ્ટહાસ્ય કર્યું અને હું ભૂત છું ભૂત – શિયાળ હું તને ખાવા માંગુ છું, ચાલ મરવા તૈયાર થઈ જા! એમ કહીને બોલવા માંડ્યું!

શિયાળ બોલ્યો, “ના, ના, મને ખાઈ ન જતા મારા નાના બચ્ચાં છે, તે ભૂખે મરશે. તમે કહેશો તેમ કરીશ.! આ સાંભળી સસલું બોલ્યું, “તો એમ કર આજે ને આજે તું કુટુંબ સાથે આ જંગલ છોડી, દૂર દૂર બાજુના જંગલમાં ચાલ્યો જા!

શિયાળ બોલ્યો “અરે, હમણાં જ આ જંગલમાંથી મારા કુટુંબને લઈને ચાલ્યો જાઉં છું! પછી એ હંમેશને માટે જંગલ છોડીને ચાલી ગયું! સસલાની બુદ્ધિથી બધા ખુશ થયા. સિંહે હંમેશ માટે સસલાને એનો સલાહકાર બનાવી દીધો!

બાલમિત્રો! નાનો જીવ પણ મોટા જીવને ચતુરાઈપૂર્વક વશ કરી શકે છે, એ આ વાતનો સાર છે અને તમે તે હંમેશ માટે યાદ રાખશો!

May
16

બળ કરતાં અક્કલ મોટી

bal-karta-akkal-moti

તમારામાં ગમે તેટલું બળ હોય પણ અક્કલનો ઉપયોગ ના કરો તો આજની જેમ હારી જવાય. બળ કરતાં અક્કલ મોટી છે એ તમે શું જાણતા નથી?
એક હાથી.
એક મગર.
હાથી જમીનનો રાજા, મગર પાણીનો રાજા.
બંને પાકા દોસ્ત.

એક દિવસ બંને નદી કાંઠે પોતપોતાના બળની બડાશ મારે. ત્યાં બેઠેલો કાચબો આ બંનેની વાતો સાંભળે. તેને થયું કે હાથી મગરને એ ખબર નથી કે બળ કરતાં અક્કલ મોટી- બળવાન છે. બંનેને સંબોધી કાચબો બોલ્યો, જગતમાં તમારા જેવા કોઇ બળવાન નથી એ ખરું પણ તમે મારી સાથે શરત લગાડશો… ?’
કાચબાની વાત સાંભળી હાથી અને મગર ખડખડાટ હસી પડયા.

મારી સાથે શરત લગાડીશ કે મગરભાઇ સાથે ?’
‘તમારી બંને સાથે, જોઇએ તો ખરા આપણા ત્રણેયમાં કોણ વઘુ બળવાન છે..’
કાચબાની વાત પર મગર- હાથીને વિશ્વાસ બેસતો નહોતો.
‘પહેલાં કોની સાથે શરત લગાડીશ…?’
‘હાથીભાઇ પહેલાં તમારી સાથે જ..’
‘તો થા સાબદો..’
‘તૈયાર જ છું લડવા. કુસ્તી નહીં..’
‘કુસ્તી નહીં તો પછી શું…!’
‘હાથીભાઇ આપણે દુશ્મન થોડા છીએ. લડાઇથી તાકાતનું બળ ના મપાય. આપણે તો આપણું બળ માપવું છે.’
‘તે કેવી રીતે..!’
‘હું, એક દોરડું લાવીશ. એક છેડો તમારા પગે અને બીજો છેડો મારા પગે બાંધી નદીમાં ઉતરી જઇશ. દોરડાનો છેડો ખેંચી મને પાણી બહાર ખેંચી લાવવાનો રહેશે. પાણી બહાર હું આવી જઇશ તો તમે જીત્યા હું હાર્યો નહીં… તો તમે.. બોલો છે મંજૂર…?

‘‘મંજૂર. જા દોરડું લઇ આવ… હમણાં જ ફેંસલો..’
નક્કી થયા મુજબ દોરડાના છેડા બંધાઇ ગયા.
કાચબો નદીમાં ઉતરી ગયો.

નદી ઊંડી- પથરાળી હતી. કાચબાએ એક અણીદાર ચટ્ટાન સાથે પોતાના પગે બાંધેલ છેડાને જોડી ગરદન સાથે લપેટી બાંધી દીધો. બહાર ડોકું કાઢી હાથીને દોરડું ખેંચવા જણાવ્યું. મગર નદીકિનારે બેઠો આ તમાસો જોઇ રહ્યો હતો. કાચબાએ પાણીમાં શી રમત કરી તેનો તેને ખ્યાલ ન હતો.

હાથીએ દોરડાનો છેડો ખેંચ્યો. જોર કરી ખેંચ્યો, બહુ જોર કરીને છેડો ખેંચ્યો. કાચબો બહાર ના આવ્યો. દોરડું તુટી ગયું. જોરથી ધક્કો વાગતા હાથી ગબડી ગુલાંટ ખાઇ ગયો.
ભેગા થયેલ જંગલના પશુ-પંખીઓ હાથીની તાકાત- બળ પર હસવા લાગ્યા. શરમનો માર્યો ગુસ્સે થતો હાથી ત્યાંથી ચાલી ગયો.

હાથી દોસ્તની આ હાલત જોઇ, મગરભાઇ ગુસ્સે થયા. કાચબાને સંબોધતા બોલ્યાં, ‘જા બીજું દોરડું લઇ આવ હું જ તને મજા ચખાડીશ…’
‘પાણીમાં રહી મગરથી ના બીવાય, બીજું દોરડું લાવું છું. પણ આ વખતે હું જમીન પર રહીશ તમારે મને પાણીમાં ખેંચી જવો પડશે. ને તમે પાણીમાં રહેશો.
હું તને આમ જ કહેવાનો હતો. હું પાણીમાં તને ખેંચી જઇશ…

પોતાની હારથી હાથી ગુસ્સે ભરાયો હતો. જંગલના પ્રાણી-પંખીઓને પણ ભગાડી મૂક્યા હતા. તે પણ ઘૂળ ઉછાળતો ત્યાંથી જંગલ તરફ ચાલી ગયો. કિનારે માત્ર બે જણ હતા મગર અને કાચબો.

કાચબો નવું દોરડું લઇ આવ્યો. નક્કી કર્યા મુજબ બંને છેડા બંધાઇ ગયા. મગર પાણીમાં ચાલી ગયો. કાચબાના ઇસારાની રાહ જોતો રહ્યો. આ બાજુએ કાચબાએ પોતાના પગનો છેડો એક વૃક્ષ સાથે બાંધી મગરને ખેંચવા જણાવ્યું.

મગર પણ કાચબાને પાણીમાં ના ખેંચી શક્યો. હાથીની જેમ વઘુ જોર કરતાં ઝાડે બાંધેલ દોરડું તુટી ગયું. મગર ધક્કાના જોરે ચટ્ટાન સાથે અથડાયો.

કાચબા- મગરની શરતમાં કોણ જીત્યું તે જાણવા જંગલના પશુપંખી ભેગા થઇ ગયા. ગુસ્સો ઉતરતા હાથી પણ ડોલતો ડોલતો આવ્યો. મગર શરત હારી ગયો હતો.
હાથી- મગર કાચબાની લુચ્ચાઇ પર ગુસ્સે થતાં હતાં.

જોવા આવેલું શિયાળ બોલ્યું, ‘ભગવાને બધાં જ પશુ-પંખી અને મનુષ્યને તેમના ખપ પૂરતી તાકાત- બળ અને અક્કલ આપી છે. બળ અને અક્કલનો ઉપયોગ કરવાનો હોય છે. તમારામાં ગમે તેટલું બળ હોય પણ અક્કલનો ઉપયોગ ના કરો તો આજની જેમ હારી જવાય. બળ કરતાં અક્કલ મોટી છે એ તમે શું જાણતા નથી?

Google Plus Circle

Subscribe to our Newsletter

To subscribe to our dandy newsletter simply add your email below. A confirmation email will be sent to you!

Categories

Recent Posts

Tags

Partner Sites

Jaherat.com Ayurvedicherbaltips.com